♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

સુરિરામ એટલે સુરિરામ


પૂજ્યપાદશ્રીના જીવનના સુંદર પ્રસંગો તેમજ તેમની આચાર ચુસ્તતા અને
તેઓની વચન સિદ્ધતા તેમજ પૂ. ગુરુદેવશ્રી માટે લખાયેલું પુસ્તક એટલે
"સુરી રામ એટલે સુરિ રામ"
અહીં પ્રસ્તુત છે એ પુસ્તકના અમુક અંશો....





પૂજ્યશ્રી અમને બાલમુનીઓને ઘણીવાર નિદ્રા માટે કહેતા....

મારી એક નોટમાં પૂજ્યશ્રી જે જોડકણું બોલતા તે નોંધેલ છે પૂજ્યશ્રી અમને ખુસ કરવા આવું બોલતા:

"ઊંઘ બગાસા મોકલે.....
             જા બગાસા તું
                      તારું કીધું ના માને તો 
                                               ઢોળી પાડું હું "

આવું કહીને અમને પ્રસન્ન કરી દેતા પણ આવું કહેનારા પૂજ્યશ્રીને અને નિદ્રાને 
જબરદસ્ત વેર હતું.
          સાહેબજી સ્વાધ્યાયલક્ષી જીવન જીવનાર હતા અને નિદ્રાને એ પસંદના પડે એટલે બે
વચ્ચે તુમુલ યુદ્ધ છેડાય! આરામ હરામ હતો પૂજ્યશ્રી માટે!

           એ કહેતા : ઊંઘ જેટલી વધારો એટલી વધે અને ઘટાડો એટલી ઘટે...
એવું જ આહારનું પણ ! તે પણ ઘટાડો તેટલો ઘટે અને વધારો એટલો વધે.

          સાહેબજી બન્નેમાં જાગ્રત....! એકે`યને જીતવા ના દે. આહાર પણ પરિમિતને 
આરામ પણ પરિમિત !

વિ. સં. ૨૦૫૮ની વાત છે. ઉ.વ.૮૬
સ્થળ સેટેલાઈટ ઉપાશ્રયનું - ચાતુર્માસ હતું.
પૂજ્યશ્રી બપોરે ગોચરી વાપરી આંટો મારી ૦|| કલાક આરામ કરે પણ એ દા`ડે 
આરામનો આરામ હરામ થઇ ગયો. ૧ વાગે સાહેબ આડા પડ્યા અને હજુ તો 
સવા પણ વાગ્યો નો'તોને પાછા સાહેબજી ઉઠી ગયા. બેઠા થઇ સ્વાધ્યાયમાં 
ખૂંપી ગયા... નિદ્રા-ઊંઘ-આરામ તો ક્યાય કોરાણે મુકાઇ ગયા...શિષ્યોએ કહ્યું:
સાહેબજી! હજુ અડધો કલાક આરામ કરી લેવો હતો ને! થોડી સ્ફૂર્તિ રહે...

સાહેબજી કહે : મારી કેટલી ઉંમર થઇ   ?
હવે જીવવાનું કેટલું? જો ઊંઘવામાં સમય વેડફાઈ જાય તો હવે ચાલે ખરું?
રાત થોડીને વેષ ઝાઝા છે.... ભાઈ!
આવું કહીને એક સુંદર મજાનો દુહો લલકારી દીધો:
"ખાના-પીના-સોના-મિલના વચન વિલાસ 
જ્યોં જ્યોં પાંચ ઘટાઈએ, ત્યોં ત્યોં ધ્યાન પ્રકાશ"

આમ કહીને પાછા સ્વાધ્યાયમાં મગ્ન ! છો ને બધા મૂઢની જેમ 
જોયે રાખે!
- બિચારી ઊંઘની એ દાડે ઊંઘ ઉડી ગઈ
 ♦♦♦


પળેપળની જાગૃતિ ધ્વારા સ્વ-પર ને સતત જાગતા રાખતા ગુરુદેવ 
ક્યારે`ક કઠોર થઇ જતા એમ નહીં લગભગ કઠોર રહેતા! કડકાઈનો
પર્યાય હતા! લોકો એમની પાસે-સામે જતા ગભરાય,સાધુઓ જોડે
ગપ્પા મારતા દશવાર વિચાર કરે, વગર કામે આંટા મારવામાં ફફડી ઉઠે,
સાધુઓ સ્વાધ્યાયનો કંટાળો આવતો હોય તો પણ પુસ્તકમાં મુખ ખોસી
રાખતા, મુહપત્તિના ઉપયોગ વિના બોલતા ગભરાય. ઊંચા અવાજે વાત 
કરતા વિચાર કરે.

      આવા કઠોર અને કડક વ્યક્તિત્વના સ્વામી પૂજ્યશ્રી જીવદયા માટે
અત્યંત કોમલ લાગણી ધરાવતા! જાણે બહારથી આર કરેલા કપડાં જેવાને 
અંદરથી મલમલ જેવા!

        એકવાર.... રાત્રે પૂજ્યશ્રીને માત્રુ જવા માટે એક મુની ભગવંત લઇ
ચાલ્યા. પરંતુ હાથમાં દંડાસણ  લીધું ન હતું તુર્તજ ગુરુદેવે કહી દીધું;
દંડાસણ લઇ લે.
         
         પોતાનું દંડાસણ તો યાદ રાખીને લે પરંતુ બીજાને પણ યાદ કરાવે,
પોતાના આસન પર પડિલેહણ પછી પણ બેસવાનું હોય તો`ય રજોહરણથી
પુંજીને બેસે, પ્રત્યેક ક્રિયામાં આટલી જીવદયાની કાળજી રાખનારા પૂજ્યશ્રી હતા,
ટેબલ ખસેડવાનું હોય,આસન પાથરવાનું હોય કે પત્ર ગોઠવવાના હોય દરેક 
ઠેકાણે જીવદયા જ જીવદયા ! ખરેખર પૂજ્યશ્રી ભીમ અને કાન્ત બંને ગુણના સ્વામી હતા.

અષ્ટ પ્રવચન માતાનું જબરદસ્ત પાલન પૂજ્યશ્રીને જયણા સ્વામી બનાવતું હતું.
 ♦♦♦


ગમે તેવી ખરાબ વ્યક્તિ કે વસ્તુ આવે આપણે એમાંથી સુંદર 
વસ્તુ લઇ લેવાની! બોધની શોધ કરી લેવાની, આવું ગુરુદેવ કહેતા.

       એકવાર એક સ્કુલમાં રોકાવાનું થયું : પૂજ્યશ્રી ત્યાં લખેલા સુવાક્યો
વાંચવા લાગ્યા.... અને સારા સુવિચારો મુનિવરોને સમજાવતા ગયા એમાં 
એક સુવિચાર આવો હતો:

"બીજા પાસે આચરણ કરાવવા માટે સૌપ્રથમ પોતે આચરણમાં મુકો"

       આ વાંચીને સાહેબજી કહે: આચાર્યની ફરજ છે કે 'પાળે પળાવે પંચાચાર'!
તમારી પાસે મારે આચરણ કરાવવું હોય તો મારે પણ આચારમાં દ્રઢ બનવું પડે"

     એટલે સામાન્ય રીતે કોઈ પણ વસ્તુનો બોધ કરાવવો હોય ત્યારે 
પ્રથમ સાહેબજી પોતે એનું આચરણ કરે ને પછી તેનો ઉપદેશ આપે.
સ્વાધ્યાય કરાવવો હોય તો પોતાનું જીવન સ્વાધ્યાયમય હોય તેથી આશ્રીતો
સ્વાધ્યાયમગ્ન બને, આધાકર્મી બંધ કરાવવું હોય તો પ્રથમ પોતે બંધ 
કરે પછી બીજાને કહે. સાહેબજીની તબિયત અર્થે વૈધની સુચના મુજબ 
ગાયના દૂધનું સેવન કરાવાતું હતું, પણ એ પૂજ્યશ્રીને ખબર નહીં કે 
આ ચીજ મારા માટે બનાવાયેલી છે. જો એ ખબર પડી જાય તો દૂધ બંધ થઇ જાય!
લે જ નહીં!

     આચાર પળાવવાની કુશળતા બાબતે એક પ્રસંગ માણવાલાયક છે.
એક નાનકડા ગામમાં જૈનોના ૫-૬ ઘર! પણ એટલા ભાવિક કે પાત્રા ભરી
નાંખે જો ગોચરી જનાર ધ્યાન ન રાખે તો પાત્રા ઉભરાઈ જાય એટલા ભાવનાશીલ!
ત્યાં બે મુનીવર ગોચરી અર્થે નીસર્યા. ગોચરીની "ના"  પાડતા રહ્યા. શ્રાવકો
વહોરાવતા ગયા. એમ કરતા કરતા ગોચરી ઘણી આવી ગઈ. પૂજ્યશ્રીને ગોચરી બતાવી.

      શિયાળાનો સમય હતો અને ગામ ભાવનાશીલ હતું. એટલે ભરપૂર 
પ્રમાણમાં "મેવો" આવેલો. સાહેબજીએ આ બધું જોયું અને પૂછ્યું.
ગામમાં કેટલા ઘર છે?
મુનીઓ બોલ્યા ૫-૬.
અને સાહેબજી ઉકળી ઉઠ્યા : જરાક તો ભાન રાખવું હતું?
શ્રાવકો હોંશે હોંશે વહોરાવે એટલે બસ વ્હોરે જ રાખવાનું જરાય વિવેક
નહીં!

મુનીઓ શું બોલે?

વાત અહીં પૂરી થતી નથી, હજુ હવે શરૂ થાય છે. આટલી 
ગોચરી જોયા પછી પૂજ્યશ્રી બહુ બેચેન થઇ ગયા. ગોચરી શરૂ 
થાય તે પહેલા પૂજ્યશ્રી એ બે હાથ જોડીને મહિના માટે "મેવા"નો
ત્યાગ કરી દીધો.
૧ મહિના સુધી મેવો બંધ!

      સહુ આશ્ચર્યમૂઢ! અને આવેલી ગોચરી વાપર્યા બાદ સર્વેએ પણ 
નિયમ ગ્રહણ કરી લીધો.

      પૂજ્ય શ્રી "પાળે પળાવે પંચાચાર" નિયમના સમર્થ પાલક હતા.
પોતે ક્યારે`ય કોઈને, કશી જ ફરજ પાડી નથી. તેમનું જીવન જ ઉપદેશ 
હતું. આ પ્રસંગ પછી પેલી પ્રાથમિક શાળાની દીવાલ પર લખાયેલું સુવાક્ય
યાદ આવ્યા વિના ન રહે : બીજા પાસે આચરણ કરાવવા માટે સૌ પ્રથમ પોતે 
આચરણમાં મુકો"
      પણ આવી વાતતો પૂજ્યશ્રીને જીવનસાત હતી.      

 ♦♦♦

પૂજ્યશ્રીને પોતાના વતન "કુબડ્થલ" પ્રત્યે જેટલી લાગણી નહીં
તેટલી લાગણી ગુરુદેવના વતન "કુવાળા" પ્રત્યે...!

      કુબડ્થલમાં પૂજ્ય ગુરુદેવ માંડ બે-ચાર વાર ગયા. જયારે કુવાળામાં
ગણી ન શકાય તેટલી વાર ગયા. કોઈ પૂછે : સાહેબજી ! કુવાળા પ્રત્યે
આટલું બધું શું છે? દર પાંચ વર્ષે આપનું એકાદ ચાતુર્માસ કુવાળામાં
થાય છે ! કેમ?!

     ગુરુદેવ કહેતા: મારા ગુરુદેવ પૂ. સુરેન્દ્ર સૂ.મ.ની આ જન્મભૂમિ
જ મારા માટે કર્મભૂમિ! મારા ગુરુદેવના ઉપકારોનું ઋણ ચૂકવી રહ્યો
છુ; હું કશું જ કરતો નથી.

     અને સાચ્ચે જ કુવાળા સાથે એટલી બધી લેણ-દેણ કે સાહેબજી
"કુબડ્થલ"ના ન ગણાય પણ "કુવાળા"ના ગણાય છે.

     કુવાળાગ્રામવાસીઓ પણ પૂજ્યશ્રીના પરમ ભક્ત!
     હમણાં છેલ્લે સં.૨૦૫૮ માં ચાતુર્માસ કર્યું. એ એવા સમયે થયું
કે કહી શકાય કે કુવાળાના પ્રેમે જ એ ચાતુર્માસ થઇ શક્યું. સાચ્ચે
જ प्रेमास्ति' दुस्त्यजम  |

   પૂજ્યશ્રીના જબરજસ્ત ઉપદેશથી જિર્ણોદ્વારનું કાર્ય ધમાધમ ચાલુ
હતું. ૨૦ ફૂટ ખાડો ખોદાયેલો હતો ને એક સર્પરાજ ફેણ ચઢાવીને ત્યાં
આવ્યા. પ્રદક્ષિણા આપીને ઘણો સમય રહ્યા.

     ચારે બાજુ 'ચમત્કાર થયો' 'ચમત્કાર થયો' આવી વાતો ફેલાઈ ગઈ.
સાહેબજીને ખબર પડીને તરતજ કહ્યું : ભાઈઓ ! ચમત્કારમાં અંજાતા
નહીં,આવું તો થયા કરે પરંતુ, પ્રભુનું શાસન મળ્યું છે એ જ મોટો
ચમત્કાર છે. બીજા ચમત્કારને શું કરવાના?
     -આવી વાત કહીને બધી વાતને ઉડાવી દીધી.

આજે જયારે ચારે તરફ નાગદેવતા પધાર્યાને સર્પરાજ આવ્યાને કાંચળી
ઉતારી વિગેરે ચમત્કારના નામે ભાવિકોને પોતાના તીર્થ કે 'પ્રોજેક્ટ" તરફ
ખેંચવાનો વાવર વધ્યો છે ત્યારે આ ઘટના કેટલી સૂચક છે?


♦♦♦


તમારા સમુદાયમાં "વાચના" નો રિવાજ નથી? આવું અમને
અન્ય સમુદાયી શ્રમણો પૂછતા, અપેક્ષાએ અમારા સમુદાયમાં 'વાચના'
બહુ ઓછી રહેતી અલબત, હવે પાઠ-વાચનાદિ વધ્યા છે.

   પરંતુ પૂજ્યશ્રી હતા ત્યારે વાચના ઓછી ગોઠવાતી એ ખરૂ પણ હાલતી
ચાલતી "વાચના"ઓ ખુબ રહેતી આ હાલતી ચાલતી વાચના એટલે પૂજ્યશ્રી
વાતવાતમાં કે પ્રત્યેક ક્રિયામાંથી કંઈક ને કંઈક બોધ મુનીઓને આપતા રહેતા.

   ગોચરીમાં મિષ્ટાન આવે એટલે તરત જ ગુરુદેવ કહે :
આજ-કાલ આ બધી મીઠાઈઓ વિગેરે રોજનું થઇ ગયું પણ અમે જયારે
નાના હતા ત્યારે ગોચરી વહોરીને આવીએ ને પાત્રમાં મિષ્ટાન જુએ
તો તરત જ વડીલો પૂછે : ક્યાંથી લાવ્યા ? શું ગૃહસ્થના ઘરે કોઈ
પ્રસંગ હતો ? કોઈ મહેમાન આવ્યા`તા ?

    અને જો આવું કંઈ ન હોય તો સમજી જાય કે આ 'વસ્તુ' સાધુ
માટે નીર્માયેલી-આધાકર્મી છે. માટે સાધુને આ ખપે જ નહીં... અને
અમારૂં આવી બનતું, ખખડાવી નાંખે કે આધાકર્મી ખાઈને ક્યાં જવું છે ?

   -આ મારી વાચના હતી. આવી અમારી ગુરુ માં ની શિખ
હતી કદાચ એ વાચના કરતા વધુ કાર્યક્ષમ હતી.  

♦♦♦


'लोगविरुद्धचाओ' લોકવિરુદ્ધ પ્રસંગનો ત્યાગ કરવો જોઈએ 
આવી આજ્ઞા જયવીયરાય સૂત્ર માધ્યમે ભગવાને કરી છે. તેની સાથે
બીજી વાતનો ખ્યાલ એ પણ રાખવો જોઈએ કે આપણા વર્તન કે વચનથી 
પણ લોકમાં અસત અભિપ્રાયતો ન જ બંધાવો જોઈએ.

   કો`ક અધીરીયા લોકો આપણા વિષે અધુરો અભિપ્રાય બાંધે તે પહેલા 
આપણે તેને સુધારવું આવશ્યક છે માટે જ 'વર્તન' અને 'વચન'ને 
સાવધ રાખો.

   પૂજ્યશ્રી પોતાનું વાક્ય અને વર્તન તો અવશ્ય શુદ્ધ રાખતા અપિતુ
આશ્રીતોને પણ એ પ્રેરણા કર્યા કરતા.

   એ કહેતા: તમે મુનિ હો અને તમારી ભગિની પણ સાધ્વી હોય 
તો`ય તમે એની સાથે વધુ વાત ન કરો.. એમાં`ય જ્યાં જાહેર રસ્તો 
હોય ત્યાં તો નહીં જ. અગત્યનું કારણ હોય તો વડીલની નીશ્રામાં એમની
બાજુમાં બેસીને વાત કરી લો. તે પણ પરિમિત જ !

    કેમકે અન્યાન્ય વ્યક્તિ તમારું આ વર્તન જોઈને શાયદ તમારા માટેનો,
મુનિવેષ પ્રત્યેનો અભિપ્રાય કંઈક જુદો બાંધી દેશે તો ભયાનક નુકસાન 
થઇ પડશે. જે તે અણસમજુ અધીર વ્યક્તિને ખબર નથી કે તમે ભાઈ-
બહેન છો માટે આવો ખ્યાલ રાખો.

    એવી જ રીતે વચનમાં પણ સાવદ્ય વચન આપણા મુખે ભૂલેચુકે 
બોલાઈ પણ જાય કિન્તુ, તેની પાછળ રહેલી શાસનની અવહેલના આપણે 
ન વિચારી હોય તેવી થઇ પડે.

     તમે બોલો કે "ફોન કરીને કહી દઈએ" અને કદાચ પ્રભુશાસનને 
નહીં પચાવેલી વ્યક્તિના કર્ણપેટે આ વચન અથડાઈ ગયું તો તરત 
જ તમારા માટે એનો અભિપ્રાય બદલાઈ જશે, સમજશે કે શું સાધુઓ
ફોન કરતા હશે ?

     શ્રમણો હંમેશા યશસ્વી જ હોય અને યશસ્વી પુરૂષો માટે કહ્યું છે કે 
"सर्वलोकविरुद्ध् तु त्याज्यमेव यशस्विन्:" યશસ્વી પુરૂષોને લોકની વિરુદ્ધનું
વર્તન ત્યાજ્ય છે. આપણે આ વાતમાંથી બીજી "મોઘમ" વાત 'વચન' વિષેની 
પણ લઇ લેવાની!

    શાસનની હિલના ન થવી જોઈએ તેવી સંપૂર્ણતયા પરિપુષ્ટ ઈચ્છાને 
આપણે પૂજ્યશ્રીની આ વાતમાં અનુભવી શકીએ છીએ !
    
♦♦♦


 પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત મુનિ જીવન હોય છે.
સમિતિ અને ગુપ્તિવડે સાધુ યુક્ત હોવા જોઈએ. મુનિ નીચી દ્રષ્ટીએ
ચાલે, મુનિ ગોચરી વિવેક પૂર્વક વાપરે,મુનિ ભાષા મધુર બોલે 
મુનિ સતત પ્રમાર્જના પૂર્વક પ્રવૃત્તિ કરે..

       પૂજ્યશ્રીને બધા ગુણો આત્મસાત હતા ડોળીમાં બેઠા હોય,સ્વાધ્યાય 
ચાલતો હોય તો`ય દ્રષ્ટિ એમની નીચે જમીન ઉપર ફરતી હોય. ડોળીવાળાને 
ચેતવતા રહે. એવું જ ભાષાસમિતિનું - વચનગુપ્તિનું.
        બોલે પણ ખુબ તોલી તોલીને 
        જોખી જોખીને 
        આપણા શબ્દની તાકાત એવી હોવી જોઈએ કે એને કોઈ ઉત્થાપી 
ન શકે. સાથે સાથે ભાષા એટલી જ વિવેકી અને વિનયી હોવી જોઈએ.
એટલી જ નિર્દોષ હોવી જોઈએ. સાવદ્યભાષા તો આપણાથી બોલાય 
જ નહીં. ગમે તેવા મોટા માણસો આવ્યા હોય પાપ પ્રવૃત્તિનો ઉપદેશ 
તો અપાય જ નહીં. સાધુ ક્યારેય આદેશ તો કરે જ નહીં ! ઉપદેશ 
જ આપે.

       પૂજ્યશ્રીમાં એક બીજી ખાસિયત હતી કે કોઇપણ મુનિવર આવે,
નાના હોય કે મોટા ! સાધ્વીજી હોય કે સાધુ ! એમને "આપ" શબ્દ 
પ્રયોજીને જ બોલાવવાના. 'જી' કહીને જ વાત કરવાની.

       ભગવાન હેમચંદ્રાચાર્યજીનું વચનછે કે .. पूज्य हि विन्योर्हति
પૂજ્યોને વિષે વિનય કરવો જોઈએ. આ વચન અનુસાર પૂજ્યશ્રી
સ્વયં પૂજ્ય હોવા છતાં અન્ય મુનિ ભગવંતોને પણ તેઓશ્રી પૂજ્ય માનતા 
અને વિનયપૂર્વક વ્યવહાર કરતા, એમનું વચન નીર્વદ્ય હોય. અન્ય પાસે 
પણ શુદ્ધ વચનગુપ્તિ/ભાષાસમિતિની પ્રવૃત્તિ કરાવે.

        એક વાર સાહેબજીનું સ્વાસ્થ્ય નબળું હતું,૮૮ વર્ષની ઉંમર હતી,
ડૉકટરને બોલાવવાની વાત થઇ, એક મુનિ ભગવંત પૂર્વના સંસ્કારોથી 
એમ બોલી ગયા કે "ફોન કરીને ડૉકટરને બોલાવી લઈએ" - પૂજ્યશ્રી 
આ વાત સાંભળી ગયા તરતજ વેદનામાં પણ બોલી ઉઠ્યા : ફોન કરીને 
નહીં, "કરાવી" ને બોલો !

        કેવી જબરદસ્ત જાગૃતતા....!
        કેવી ભાષાસમિતિ ઉપરની પકડ!     


♦♦♦


વિક્રમ સંવત ૨૦૫૪, પાલીતાણામાં ચાતુર્માસ. એક યાદગાર
ચાતુર્માસ (લાભ લેનાર શ્રી ચીમનલાલ ચુનીલાલ મહાજની, ધાનેરા વાળા)
ત્યાંનો આ પ્રસંગ છે. ચાતુર્માસમાં તો ધાનેરા ભવન ધર્મશાળામાં જ દેરાસર
હોવાના કારણે વાંધો ન આવ્યો પણ ચાતુર્માસ પછી પણ અમે ત્યાં રોકાયા હતા.
તેથી વ્યવસ્થાપકોએ કહ્યું કે... સાહેબજી ! આપણે નીચે ભગવાન રાખ્યા છે.
સાહેબજી કહે અરે ! ચાતુર્માસમાં તો આરાધકો માટે પ્રભુજી પધરાવ્યા હતા.
હવે શું? ફક્ત મારા માટે અહીં શું કામ રાખો છો...?
અને એમ જ થયું, એ દિવસે પ્રભુજી ફરી દેરાસરમાં પધરાવી દીધા.

    બીજા દિવસે સવારે દર્શન કરવા જવાનો સમય થયો, બધા જ દર્શન
કરવા નીકયા. દેરાસર થોડું દુર હતું. માગસર મહિનાની કડકડતી ઠંડીમાં
રસ્તાની કાંકરીઓ એવી તો ખૂંચતી હતી કે અમારા જેવા યુવાન સાધુ
પણ હલબલી ઉઠે પણ પૂજ્યશ્રીએ ગજબ સ્વસ્થતા દાખવી અને મોજા
પહેરવાનું કહ્યું તો પણ ના કહી દીધી.

 એ દિવસે વ્યવસ્થાપકોએ બહુ જ વિનંતી કરી કે સાહેબ ! સવારે
સખત ઠંડી હોય છે. ભગવાન અહીં પધરાવીએ. પૂજ્ય સાહેબજી બોલી
ઉઠ્યા. અરે, ભગવાનની સામે મારે જવાનું હોય કે દર્શન કરવા માટે
ભગવાનને અહીં લાવવાના હોય? ના હું ચાલતો જ જઈશ. થોડી તકલીફો
ભોગવી લેવાય એમાં આટલી બધી ચિંતા ન કરવાની હોય.
      અને વ્યવસ્થાપકો આશ્ચર્ય પામી ગયા.

♦♦♦


નાનકડું ઇસરવા ગામ. જૈનોના સાત-આઠ ઘર... આધુનિક
જમાનાની સગવડથી વંચિત રહેલ આ ગામડામાં પૂજ્યશ્રી પધાર્યા. જોરદાર
સામૈયું થયું અઢારે આલમ ઉમટી પડી.

       અને...રાત્રે છાતીમાં દુ:ખાવો ઉપડ્યો. બધા ગભરાયા. શું હાર્ટએટેક
તો નથી ને ? નાનકડા ગામમાં ડૉકટર તો ક્યાંથી હોય?

        છતાં રાતોરાત ભક્ત શ્રાવકો નજીકના ગામથી ડૉકટર બોલાવી લાવ્યા.
સામાન્ય ડૉકટરને ખાસ ખ્યાલ ન આવ્યો કે શું કરવું? અને સવાર થતા તો 
હ્રદયના નિષ્ણાત ડૉકટર પણ આવી ગયા. તરત તપાસ કરી અને કહ્યું કે 
પેશન્ટને તાત્કાલિક પાલનપુર અથવા અમદાવાદ ખસેડો. ૧૦૦ ટકા જોખમ છે.
ત્વરિત નિર્ણય લો.

        સહુ વિમાસણમાં મુકાઇ ગયા, શું કરવું ? પૂજ્યશ્રીને કેવી રીતે 
મનાવવા...? છેવટે ડૉકટરે કહ્યું કે, આપની જિંદગી જોખમમાં હોવાથી 
અમે નજીકના શહેરમાં આપને ખસેડીએ છીએ.

         આજના જમાનામાં વારંવાર નાના...નાના... નિમિતે વાહનોનો 
ઉપયોગ થઇ રહ્યો છે, એવા સમયે પૂજ્યશ્રીએ ખુબ જ શાંતિથી ડૉકટરને 
જે કહ્યું તે સાંભળી બધાની આંખો ઉઘડી ગઈ. પૂજ્યશ્રી બોલ્યા કે ડૉકટર
મેં ૭૬ વર્ષ ખુબ જ આનંદથી પસાર કર્યા છે. હવે ચારિત્રની વિરાધના કરીને 
વધારે જીવવાનો મોહ નથી.
      ધન્ય ગુરૂદેવ... ધન્ય પ્રતિભા....          

♦♦♦


૨૦૫૪ના માગસર સુદ ૪ ના દિવસે પૂજ્યશ્રીએ મહિનાની
અવધીવાળો નિયમ લીધો કે જો રોજ ૧૦૦૦ સ્વાધ્યાય ન
થાય તો બીજા દિવસે 'ઘી' બંધ.

         આખી સાધુ સંસ્થાના શિરોમણી પૂજ્યશ્રીએ આવો નિયમ
કર્યો હોવાના કારણે, ઘણા મહાત્માઓએ કહ્યું કે સાહેબજી !
આવો નિયમ ન લ્યો તો વધુ સારું કારણ કે શાસનના કાર્યો
કરવાની સાથે ૧૦૦૦ ગાથાનો સ્વાધ્યાય કરવાની થોડી તકલીફ
પડશે. પરંતુ પછી પૂજ્યશ્રીએ જે જવાબ આપ્યો છે તે આજના
સાધુની આંખ ઉઘાડી દે તેવો છે આ રહ્યો તેમનો જવાબ....

તેમને કહ્યું કે જો દિવસમાં ૧૦૦૦ સ્વાધ્યાય ન કરી શકું
તો એ દિવસ મારો વાંઝિયો છે. ભાઈ, તો તો એ દિવસ મારો
પ્રમાદમાં ગયો કહેવાય.


♦♦♦



પૂજ્યશ્રીથી એક પણ કાયની વિરાધના થઇ જાય તો ભારોભાર 
દુ:ખ અનુભવતા. કદાચ બીજાથી થઇ જાય તો પણ સાહેબજીનું મન 
દુભાઈ જતું, પૂજ્યશ્રીની કુબડ્થલથી કૈલાશનગરની વિહાર યાત્રા
જબરજસ્ત હતી, પ્રસંગ એ વિહાર યાત્રા વચાળેથી મળ્યો છે.

ગામ છે અસુરીયા.
      પૂજ્યશ્રીનો વિહાર સુરત તરફ હતો વિહારના ચોત્રીસમાં દિવસે 
પાલેજથી નીકળી અસુરીયા તરફ જઈ રહ્યા`તા. વાદળ છાયુ વાતાવરણ 
હતું. ગામમાં પહોંચવાની ૧૦ મિનીટની વાર હતી ત્યાં જ ઝરમર ઝરમર 
વરસાદ વરસવા લાગ્યો, ઉતાવળા ચાલીને જેમ તેમ કરીને મુકામે પહોંચી 
ગયા. પૂજ્યશ્રીની તબિયત નાદુરસ્ત, ૨ દિવસ પૂર્વે જ M.R.I. કરાવી 
હતી. વરસાદે તો માઝા મૂકી. જોર-જોરથી વરસવા લાગ્યો સવારના ૯.૦૦
નો સમય થઇ ચુક્યો હતો. નવકારશીનો પણ સમય વીતી ગ્યો`તો એક
મહાત્મા ગોચરી માટે તૈયાર થયા. સાહેબજીને પૂછ્યું સાહેબજી ગોચરી?

અત્યારે વરસાદ આવે છે ગોચરી ક્યાં જશો? બેસી જાઓ, નથી
જવાનું, આસન ઉપર બેસીને ભણો! સાહેબનો જવાબ સાંભળી પેલા 
મહાત્મા આસન પર બેસી ગયા.

વાત પાછી મહત્વની એટલા માટે છે કે ઉપાશ્રય અને રસોડાંની 
વચ્ચેનું અંતર માત્ર દશ ડગલા.

પૂજ્યશ્રીની તબિયત ઘણી નરમ હતી જો સમયસર આહાર ન લે 
તો તકલીફ થઇ શકે!

વરસાદ બંધ થવાનું નામ નહોતો લેતો અને પૂજ્યશ્રી ગોચરીનું નામ
નહોતા લેતા.

કામળી ઓઢીને પણ જવાની ના! સતત ૨ વાગ્યા સુધી અનરાધાર 
વરસાદ વરસ્યો અને પૂજ્યશ્રીએ ત્યાં સુધી સ્વાધ્યાય કર્યો - કરાવ્યો.
૨ વાગ્યા સુધી કઈ વાપર્યું નહિ, હસમુખ ભાઈ(મહાજની)એ સાહેબને 
ઘણા સમજાવ્યા. સાહેબ! ગોચરી અત્રે લઇ આવીએ, આપ થોડું વાપરી લો.

ના.
સાહેબ! થોડું દૂધ વાપરી લો, આપને દવા પણ લેવાની છે.
ના,મારે એવું દૂધ વાપરીને દોષમાં નથી પડવું.

બપોરના બે વાગે વરસાદ બંધ થયો, ત્યાં સુધી કોઈ પણ મહાત્માઓ
એ મોઢામાં પાણી પણ નહોતું નાખ્યું, અરે! મહાત્માઓ તો શું?
પણ સ્ટાફના માણસોએ પણ નક્કી કર્યું, પહેલા સાહેબજી વાપરે પછીજ
આપણે, સંપૂર્ણ વરસાદ બંધ થયો પછી જ પૂજ્યશ્રીએ તથા અન્ય ભગવંતો 
એ વાપર્યું.

આ એક ગજબની ઘટના હતી...
વ્રતની જબરજસ્ત લત ધરાવતા પૂજ્યશ્રી...!
આ શીથીલાચારના વિષમકાળમાં અત્યારે તમે ક્યાં છો....?
ખરેખર આપની જરૂર છે.

♦♦♦


કેન્સરનું દર્દ હદ વટાવી ચૂકેલું.
ભયાનક વેદનાથી શરીર નંખાઈ ગયેલું. એક તરફ ઉપચારો, બીજી
તરફ જાપ-ધ્યાન-તપ ત્યાગ પણ વધતા ગયાં એ અંતિમ દિવસોની આ
વાત છે.

મહાત્માઓ વંદન કરતા હતા, સાંજનો ટાઈમ હતો.
એક મહાત્માએ પૂછ્યું:
સાહેબજી કેમ લાગે છે?
આવી ભયંકર વેદનામાં સાહેબજી હસી પડ્યા ને કહે:
જુઓને લીલા લહેર છે. ક્યાં કોઈ ચિંતા છે....?
-આવી ભયંકર બીમારીમાં આટલી ગજબની સ્વસ્થતા
કોણ દાખવી શકે ?


♦♦♦


પૂ. આ.ભ. શ્રી વિજય રત્નચન્દ્રસૂરિજી મ.સા. કહે છે :
પૂ. સાગરાનંદ સૂ.મ. ના પૂ. હેમસાગર સૂ.મ. જયારે ભેગા થતા ત્યારે 
કહેતા : આ તમારા ગુરુ રામસૂરિ... અમે મહેસાણામાં મળેલા એકવાર,
એમના ગુરુ સુરેન્દ્ર સૂ.મ. હયાત હતા અને કેટલી`યે વખત અમે સાંભળ્યું 
છે એ બુમ પાડતા, "એ રામવિજય ! હવે ચોપડી મુક અને થોડીવાર આરામ કર!
તબિયત બગડશે..."

-સાહેબજીને સંયમ ગ્રહણ સમયથી જ અશાતાનો ઉદય અને આરામ 
જરૂરી હોવાથી ગુરૂમહારાજ પોતે આવું કહેતા. અને કેટલી`યેવાર ડૉકટર 
પાસે કહેડાવતા કે હવે આરામ જરૂરી છે. છતાં`ય એમને સ્વાધ્યાય વિના 
ચેન ના પડે. અને એ સ્વાધ્યાયે...છે...ક... છેલ્લી ઘડી સુધી એમનો સાથ
નિભાવ્યો. કેવો જબરદસ્ત સ્વાધ્યાય પ્રેમ!   
♦♦♦


અંધારી રાત.. બેના ટકોરા પડ્યા અને અચાનક પૂજ્યશ્રીને છાતીમાં
દુ:ખાવો થવા લાગ્યો. બાજુમાં સુતેલા મહાત્મા જાગી ગયા અને પૂજ્ય
સાહેબજીને પૂછ્યું.

જવાબ મળ્યો... સહેજ છાતીમાં દુ:ખાવો થાય છે. અસહ્ય દુ:ખાવામાં
પણ જવાબ તો નિ:શંક બનાવી દે તેવો, પણ મહાત્માની નજરમાં
વાસ્તવિકતા ખ્યાલ આવી ગઈ.

પાસેના ઘરમાં રહેતા શ્રાવકને જગાડ્યા. ડૉકટરને બોલાવી લાવવા
કહ્યું. લગભગ ૪.૩૦ વાગે ડૉકટર આવ્યા. તેમને તપાસ કરીને કહ્યું.
"જીભ નીચે ગોળી મુકો" પૂજ્યશ્રીએ આવા અસહ્ય દુ:ખાવામાં પણ
ચોક્ખી ના ભણી દીધી. વળી કોઈ શ્રાવક બોલી ઉઠ્યો ગુરુદેવ... આ
તો કડવી હોય એટલે આણાહારી કહેવાય. ( એ શ્રાવકને ખ્યાલ નહોતો
કે આ હ્રદય રોગનિ દવા 'સોબીટેડ" કડવી નહીં પણ તીખી કે તુરી
હોય છે).

પૂજ્યશ્રી આવી ખતરનાક વેદનામાં પણ બોલી ઉઠ્યા... શું? "પીળું
એટલે સોનું માની લેવાનું?" કડવી દવા એટલે આણાહારી જ હોય
શું? એવા મતનો હું નથી. નવકારશી પહેલા ગોળી લેવાય જ શી રીતે?

એ પણ પાછી આહારી. કોણ કહે છે... એલોપથી દવાઓ અણાહારી હોય?      



♦♦♦


જયારે મારા ગુરુ મહારાજ (આ. રત્નચન્દ્ર સૂ.મ.) નાના હતાં
ત્યારની આ વાત છે. ઝવેરી પાર્કનો ઉપાશ્રય.... બપોરે ગોચરી વાપર્યા 
પછી સાહેબજી આંટા મારતા...

મને યાદ છે કે એ બપોરિયા આંટામાં કેટલા`ય મારા જેવા સાધુઓ 
આંટે ચડી જતા. ઉપાશ્રયમાં બે ત્રણ ચક્કરમાં તો બાલમુનિઓ ડાહ્યાડમરા 
થઇ જતાં. અન્ય મહાત્માઓ પણ પ્રમાદને છોડી દેતાં.

આવા જ એક બપોરની  ગોચરી પછીનો આ આંટો હતો. પૂ. શ્રી
ચાલતા હતાં વચ્ચે એક પાણી ઠારવવાની ખાલી પરાત પડી હતી એવી
રીતે વચ્ચોવચ્ચ પડી હતી કે ધ્યાન ન રાખે તો પગમાં આવી જાય.

મારા ગુરુમહારાજની નાની ઉંમર... આસન પર બેઠેલા.

સાહેબજીએ કોઈને બોલાવ્યા નહિ જાતે વાંકા વળીને પરાત લેવા 
જાય છે. ત્યાં સુધી કોઈને ખબર નહિ કે સાહેબજી જાતે પરાત લે છે.
વાંકા વળીને પરાતને હાથ પણ અડાવી દીધેલો અને પરાત ઉપાડી નહિ 
અને પાછા સીધા થઇ ગયા. અને બુમ પાડી: રત્નચન્દ્ર! આ પરાત ઉઠાવી લે!
એક બાજુ મૂકી દે...

મારા ગુરુ મહારાજે ઉભા થઇને મૂકી પણ દીધી કિન્તુ,....
પ્રશ્ન એ થાય કે... સાહેબજી એ જાતે લેવા માટે પ્રયત્ન પણ કર્યો
અને પછી કેમ લીધી નહિ?

વાત જાણે આમ બની હતી.

જયારે સાહેબજી પરાત લેવા વાંકા વળ્યા એ જ સમયે સામેની બારી 
પાસેના રસ્તા પરથી એક સાધ્વીજી મહારાજ પસાર થયા. તે આ તરફ 
જ જોતા`તા એટલે સાહેબજીએ પરાત મૂકી દીધી બુમ પાડી અને ઉપડાવી.
વજહ?
કારણ માત્ર એટલું કે સાધ્વીજી જોઈ જાય કે આચાર્ય મહારાજ પરાત 
ઊંચકે છે તો તે કેવું વિચારે? શું કોઈ સાધુ કામ નહિ કરતો હોય ?
કે આચાર્ય ભગવંતને કરવું પડ્યું? એટલા માટે જ સાહેબજી એ બુમ 
પાડીને રત્નચન્દ્ર વિજયજીને બોલાવ્યા અને પરાત લેવડાવી.

મારા સાધુની પણ છાપ બગડે નહિ તેનું ધ્યાન સાહેબજી રાખતા....
કોઈ અધર્મ ન પામી જાય તેની પણ સાવચેતી સાહેબ રાખતા.
ધન્ય આપની દીર્ઘદ્રષ્ટિ !       
♦♦♦


સં. ૨૦૬૧ મહાવદ-૧૪નો દિવસ!
સ્થળ : કૈલાશ નગરનું સમય : બપોરે ૧.૩૦ વાગ્યાનો

લગભગ મહાત્માઓને આયંબીલનો તપ. સાહેબજીને એ વખતે નળી
વાટે આહાર અપાતો હતો. દવા આપીને સાહેબને સુવાડી દીધા હતાં.
અને ઊંઘતો આવે નહિ પણ સાહેબજી આંખ બંધ કરીને સુતા રહ્યા.

દોઢ વાગે ખુબ પાણીનો શોષ પાડવા લાગ્યો. એક તો કેન્સરની ગાંઠ 
ગળા પર જ. મોઢેથી આહાર બંધ. અને ગરમ પડતી દવા. અને
થોડો-થોડો તાવ આ બધાનો સરવાળો એટલે પાણીનો ભયંકર શોષ!

બાજુના મહાત્માએ પૂછ્યું સાહેબજી શોષ પડે છે? પાણી વાપરશો?
સાહેબજીએ અણગમાથી એમની સામે જોયું.
ફરી પૂછ્યું : સાહેબ ! બીજી દવા લેવાની બાકી છે.
હવે લેશો ને ?

સાહેબજી એકદમ અકળાયા : તમે મને આચારભ્રષ્ટ કરવા માંગો 
છો? પાણી અને દવા કરતા આચાર અને સંયમ મહત્વ નું છે !

પેલા મહાત્માને કઈ સમાજ પડી નહી. સાહેબજી આવું કેમ બોલે
છે. એટલામાં તો પૂ.આ. અભયદેવ સૂ.મ.,પૂ. આ. રત્નચન્દ્ર સૂ.મ.,
પૂ.આ. જગચ્ચન્દ્ર સૂ.મ. વિગેરે ત્રણે`ય આચાર્ય ભગવંતો તથા જેમને 
ગોચરી થઇ હતી તે મુનીભગવંતો પણ આવી ગયા. કોઈને સાહેબજીની
વાત સમજાઈ નહિ. પણ પછી ખબર પડી.
વાત આમ હતી:

પૂ.શ્રીને વપરાવીને સુવાડ્યા ત્યારે પૂ.શ્રીને ભ્રમ થઇ ગયો કે ગમે 
તે પણ સાહેબજી એ એમ માની લીધું કે રાત પડી ગઈ છે.
હવે પાણી કે દવા કેમ લેવાય?

બહુ સમજાવ્યા : સાહેબજી ! હજુ બપોરનો દોઢ વાગ્યો છે. રાતનો 
નહિ.
સાહેબજી માને જ નહિ.
પ્રકાશ, અજવાળું દેખાડ્યું તો પણ ન માન્યા. રખે ને લાઈટનું 
અજવાળું હોય!

હું આયંબીલની માંડલીમાં જઈને ગોચરીનું પાત્રું પણ લઇ આવ્યો,
બતાવ્યું, તો`ય વિશ્વાસ નહિ!
સાહેબજી એ કહ્યું હું તો પચ્ચખાણ કરી લઉં છું. ચઉવિહારનું!
બધા વિનવી ઉઠ્યા : સાહેબજી ! આમ પચ્ચખાણ ન લેવાય હજુ
દવા વિગેરે બાકી છે. આ તબિયત...

છેવટે સાહેબજી બોલ્યા : બાલમુનિને બોલાવો અને મારા શિષ્ય 
બાલમુનિ ચન્દ્રદર્શન વિ. ને બોલાવી લવાયા અને સાહેબજી એ પૂછ્યું :
કેટલા વાગ્યા છે?
દોઢ?
દિવસના કે રાતના ?
બાલમુનિ હસવા લાગ્યા : કેવી વાત કરો છો? દિવસના જ હોય ને?
અને પછી સાહેબજીએ બાળકની નિર્દોષતામાં સત્ય જોયું અને દવા 
લેવા માટે હા પાડી.
આવી હતી એમની આચારનિષ્ઠા!


♦♦♦

No comments:

Post a Comment